
૮૦મા સ્વાતંત્ર્ય પર્વની આપ સહુને હાર્દિક શુભેચ્છાઓ!
આજનો આ પવિત્ર દિવસ આપણા અમર શહીદો અને વિરાંગનાઓના ત્યાગ અને સમર્પણને નમન કરવાનો છે. શાળા/કોલેજ એ માત્ર શિક્ષણનું કેન્દ્ર નથી, પરંતુ રાષ્ટ્રના ભાવિ ઘડતરની પ્રયોગશાળા છે. આ પ્રસંગે આપણી સંસ્થાના ડિજિટલ માધ્યમથી આપ સૌ સાથે જોડાયાનો આનંદ છે.
સંસ્થાના પૂર્વ વિદ્યાર્થીઓ (Alumni) :
આપ સહુએ આજે વિવિધ ક્ષેત્રોમાં સફળ થઈને સંસ્થાનું નામ રોશન કર્યું છે. વર્તમાન વિદ્યાર્થીઓને કરિયર અને વાસ્તવિક દુનિયાના પડકારો માટે યોગ્ય માર્ગદર્શન (Mentorship) આપી રહ્યા છો; તે સંસ્થા પ્રત્યેની આપની ગૌરવપૂર્ણ લાગણીનો પડઘો છે. સંસ્થાના નવીન પ્રોજેક્ટ્સ માટે પણ આપ સહુ હંમેશા વિવિધ રીતે સતત સહયોગ આપતા રહો છો અને સંસ્થાના વિકાસમાં ભાગીદાર રહો છો તે અમારા સહુ માટે ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી છે. આપના અનુભવ અને સંસાધનોનો ઉપયોગ કરીને સંસ્થાના અને દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં આપની સક્રિય ભાગીદારીની અમે સહર્ષ નોંધ લઈએ છીએ.
વર્તમાન વિદ્યાર્થીઓ :
જ્ઞાન અને ચારિત્ર્ય નિર્માણ એ સફળ જીવનની ગુરુકિલ્લી છે. શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવા પૂરતું સીમિત ન રાખતા, દેશના એક જવાબદાર, નૈતિક અને સજાગ નાગરિક બનો. આજે દેશ ટેકનોલોજી અને નવીન વિચારો ક્ષેત્રે આગળ વધી રહ્યો છે. તમારા સંશોધનો અને વિચારો દ્વારા ભારતને ‘આત્મનિર્ભર’ બનાવવામાં યોગદાન આપો.
આ સ્વાતંત્ર્ય દિને આપણે સહુ ભેગા મળીને સંકલ્પ કરીએ કે આપણે આપણા વિચારો, કાર્ય અને દેશપ્રેમથી ભારતના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં સતત યોગદાન આપતા રહીશું.
આપ સહુને ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપવા હાર્દિક નિમંત્રણ છે.
જય હિંદ! જય ભારત!
ડૉ. વૈશાલી શાહ
નિયામક, શેઠ ચી.ન.વિદ્યાવિહાર





