શિશુવિહાર

સંસ્થા પરિચય

IMG_0405_1_smallપૂર્વ પ્રાથમિક શિક્ષણની જરૂરિયાતને ધ્યાનમાં લઈ ૧૯૪૫માં શેઠ સી એન શિશુવિહારની સ્થાપના સાથે મોંટેસરી પદ્ધતિથી એક વર્ષના બાલવાડી શિક્ષણનો પ્રારંભ કરાયો. સંસ્થાના તત્કાલિન ચેરમેન અને મેનેજિંગ ટ્રસ્ટી સ્વ. ઇન્દુમતીબેન શેઠના અવસાન પછી ૧૯૮૫માં સંસ્થા પરિસરમાં જ આવેલ ચંદન બંગલા તરીકે જાણીતું તેમનું નિવાસસ્થાન ઇન્દુમતીબેનના વિલ મુજબ વિદ્યાવિહારને સોપાયું.જેમાં ૧૯૯૧માં જુ.કેજી. ના વર્ગો શરૂ કરવામાં આવ્યા અને બાલ વિદ્યાલયમા ચાલતા સિની. કે.જી. ના વર્ગો આ બંગલામાં લઈ જવામાં આવ્યા.વર્ષ ૨૦૦૦માં શિશુવિહારની જરૂરિયાતને ધ્યાનમાં લઈને ચંદન બંગલાને અડીને ૦૪ ખંડ વાળું નવું મકાન બનાવી શિશુવિહાર માટે અલગ સંકૂલ બનાવવામાં આવ્યું.
હાલ જુ.કેજી. ના ૦૪ અને સિની.કે.જી. ના ૦૪ વર્ગોમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. એક વર્ગમાં લગભગ ૨૫ થી ૩૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.
સંસ્થાના ધ્યેયો પૈકીનું એક ધ્યેય “બાળ કેળવણી તો માતૃભાષામાં જ” ને ન્યાય આપવાના હેતુથી અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે શિશુવિહારમાં પ્રવેશ સમયેજ પસંદગીની તક આપીને અલગથી એક વર્ગ જુદો રાખવામાં આવેલ છે. જેઓને જુ.કે.જી થી ધો.-૦૪ સુધી માતૃભાષા ગુજરાતીમાં જ શિક્ષણ આપવામાં આવે છે. પાઠ્યપુસ્તકો તેમજ પરીક્ષા પણ ગુજરાતી માધ્યમ મુજબ જ હોય છે પરંતુ તેઓની ઉંમર, ક્ષમતા અને રૂચીને ધ્યાનમાં લઈ અંગ્રેજીનું વધારાનું શિક્ષણ આપવામાં આવે છે અને ધો.-૦૫થી અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ માટે સક્ષમ બનાવવામાં આવે છે. અપવાદરૂપે જો કોઈક વિદ્યાર્થી આ ક્ષમતા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહે તો તેઓ ગુજરાતી માધ્યમમાં પોતાનું શિક્ષણ ચાલુ રાખી શકે છે.

અભ્યાસ

હાલ તેમાં નર્સરી , જુનિયર અને સિનિયર કે.જી. ના વર્ગ ચાલે છે.

વિવિધ પ્રવૃત્તિઓ

રંગોનો દિવસ

shishu-07શાળામાં પહેલો પાઠ રંગોને લગતો હોય છે. વિધાર્થીઓને મુખ્ય અને ગૌણ રંગો વિશે માહિતી આપવામાં આવે છે, અને તેની પરખ માટે રંગદિવસ ઉજવવામાં આવે છે. એ દિવસે વિદ્યાર્થીઓ નક્કી કરેલ રંગ મુજબ વસ્ત્રો પરિધાન કરે છે.


પ્રયોગ

વર્ષ દરમ્યાન બાળકોની કક્ષા પ્રમાણે વિજ્ઞાન અને પર્યાવરણને લગતા નાના પ્રયોગો શિશુવિહારમાં થાય છે.

બાલદિનની ઉજવણી

બાળકો જેમને અતિપ્રિય હતા એવા નેહરુચાચાના જન્મદિવસ-બાલદિનની ઉજવણી શિશુવિહારમાં કરવામાં આવે છે.

વર્ષગાંઠની ઉજવણી

shishu-04બાળકો કોઇ પણ જાતનાં ભેદભાવ વગર સમાન રીતે પોતાનો જન્મદિન ઉજવી શકે તે માટે વર્ષ દરમિયાન એક નક્કી કરેલા દિવસે સામુહિક વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવે છે. દરેક બાળક પોતે વિશિષ્ટ છે તેવો અનુભવ કરે છે.અને પોતાનો જ જન્મ દિવસ ઊજવતાં હોય તેવો આનંદ માણે છે.

રમતોત્‍સવ

shishu-05શિયાળામાં રમતોત્સ વ ઉજવવામાં આવે છે. અને બાળકોની વયને અનુરૂપ રમતો રમાડવામાં આવે છે. આમ પહેલી વાર બાળકો સ્પર્ધા તથા સમૂહ ભાવનાને સમજતા થાય છે.

વૃક્ષારોપણ

બાળકો પર્યાવરણનું મહત્વ સમજે અને વૃક્ષોનું જતન કરતાં શીખે તે હેતુથી પર્યાવરણદિન નિમિત્તે બાળકોના હાથે વૃક્ષારોપણનું આયોજન કરાય છે.


સાંસ્‍કૃતિક કાર્યક્રમ

shishu-06સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ શૈક્ષણિક તાલીમનું મહત્વનું અંગ છે. અહીં સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં દરેક બાળકને તખ્તા ઉપર આવવાની તક મળે તે રીતે આયોજન કરવામાં આવે છે. તેઓ વાર્તા કહે, ગીત ગાય, નૃત્ય કરે અથવા તેમને ગમતી પ્રવૃતિ કરી પોતાનું કૌશલ્ય્ બતાવી શકે છે.

પુસ્તકાલય

શિશુવિહારમાં બાળકોને અનુરૂપ એક નાના પુસ્તકાલયની વ્યવસ્થા કરવામાં આવી છે. બાળકોને ભલે વાંચતાં ન આવડે પણ ચોપડીઓ સીધી મૂકીને બાળકો જોતાં શીખે, ગોઠવતા શીખે, અને પુસ્તકોની કાળજી લેતા શીખે તેમજ પુસ્તકોનું મહત્વ દૈનિક કાર્યમાં વણાઈ જાય તેવા હેતુથી રગબેરંગી ચિત્રોવાળી ચિત્રવાર્તાઓ અને બાળવાર્તાઓની ચોપડીઓ પુસ્તકાલયમાં ગોઠવવામાં આવે છે.આ પુસ્તકો બાળકો ઘરે લઈ જઈ શકે અને સમયાંતરે પાછા જમા કરાવે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.

Subscribe for a Newsletter