બાલ વિધાલય

ઇતરપ્રવૃત્તિઓ :

DSC_6021ઈત્તર પ્રવૃતિનું આયોજન દરેક વિદ્યાર્થીને પૂરતી તક આપીને કરવામાં આવે છે. જેથી તેઓનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. વર્ષ દરમ્યાન બાળકો વિભિન્ન સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરે છે. વિદ્યાર્થીઓ ગરબા, નૃત્ય, કંઠ્યસંગીત, વાજિંત્ર વાદન, એકપાત્રિય અભિનય, નાટક, વાર્તાકથન જેવી વિવિધ પ્રવૃતિઓનો આનંદ માણે છે.આધ્યાત્મ વિદ્યામંદિર અને ચિન્મય મિશનના સ્વયંસેવકો દ્વારા ગીતા શ્લોક ગાનમાં રસ ધરાવનાર વિદ્યાર્થીઓને શાળા તરફથી વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. વિદ્યાર્થીઓ ચિત્ર, સંગીત જેવી વિવિધ કલાઓમાં રસ ધરાવતા થાય તે માટે પ્રથમ શ્રેણીથી જ તેનો સમાવેશ કરવામાં આવે છે. તેથી વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હરીફાઇઓમાં ભાગ લઇ સન્માન સાથે ઉત્તમ ઇનામો પ્રાપ્ત કરે છે. શાળા દ્વારા પણ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુસર વર્ષ દરમ્યાન ચિત્રકામ, મહેંદી, રંગોળી, આરતી અને કોડિયા સુશોભન, વકતૃત્વ, ગાયન સ્પર્ધા જેવી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવે છે. બાળકોની મૌલિકતાને ખીલવવા માટે માટીકામ અને હસ્તકલાની પ્રવૃતિઓ વર્ગખંડમાં કરાવવામાં આવે છે. બાળકોના શારીરિક વિકાસ માટે રમત- ગમતને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. વર્તમાન સત્રથી પ્રથમ અને દ્રિતીય શ્રેણીમાં જિમ્નાસ્ટીકનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાળકોમાં સમૂહભાવના કેળવવા સમૂહજીવનની પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. જેમાં મુખ્ય શાળા સંકુલમાં વૃક્ષારોપણ, જરૂરીયાતમંદ બાળકોને જૂના પુસ્તકો, કપડાં અને રમકડાં જેવી વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત બાળકો દ્વારા ઉત્સાહપૂર્વક “સમાજ શિક્ષણ” ફાળો એકઠો કરવામાં આવે છે.એન. જી. ઓ. ના બાળકો આપણી શાળાની મુલાકાત લઇ સંયુક્ત પ્રવૃત્તિઓ કરે છે.બાળકોને વ્યવહાર કુશળતા શીખવવા વાલીમિત્રોના સહયોગ સાથે શાળા સત્ર દરમ્યાન શૈક્ષણિક પ્રદર્શનનું આયોજન કરી બાળમેળો અને વાર્ષિકોત્સવ હર્ષોલ્લાસ સાથે ઊજવવામાં આવે છે. શાળા સત્ર દરમ્યાન ધોરણ મુજબ “ બાલસભા”નું આયોજન થાય છે.

વિધાર્થી જીવન :

IMG-20130909-WA002રોજિંદી પ્રાર્થનાસભાથી દિવસની શરૂઆત થાય છે. જેમાં પ્રાર્થના ઉપરાંત બાળગીતો, સુવિચાર, દૈનિક સમાચાર વાંચન, અંગ્રેજી કવિતા અને શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક પ્રસ્તુતિ વગેરેનો સમાવેશ થાય છે. બાળકો ઘરેથી પૌષ્ટિક નાસ્તો લાવે તેવો આગ્રહ રખાય છે. શિક્ષકો બાળકોનાં નાસ્તાનાં ડબ્બાની તપાસ રાખે છે અને નાસ્તો પૂરો કરે તે માટે પ્રોત્સાહિત કરે છે. શિયાળામાં બાળકો માટે એક દિવસીય પર્યટન યોજાય છે.

શિક્ષકો માટે તાલિમ:

મૂળભૂત પાયાના શિક્ષણ માટે શાળા સંકુલમાં શૈક્ષણિક વિદ્વતા ધરાવતા અનુભવી શિક્ષકો છે. આધુનિક શિક્ષણ પદ્ધતિની જાણકારી મેળવવા સમયાંતરે શિક્ષકોને તાલીમ પૂરી પાડવામાં આવે છે. શિક્ષકોને “સેમીનાર” તથા “વર્કશોપ” માં ભાગ લેવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

Subscribe for a Newsletter