પલ્લવી મોઢા

શાળા શરુ થાય તે પેહલા વહેલા શાળાએ પહોચવું અને છુટ્યા પછી મોડે સુધી રહેવું એ મારા મિત્રો નો લગભગ રોજીંદો ક્રમ હતો. વર્ગ માં જવા કરતા રમવાનું અને ઝાડ નીચે ભેગા ઘરકામ કરવાનું અમને વધારે ગમતું. બધાએ વર્ગખંડ થી રમતનું મેદાન અને ત્યાંથી પ્રાર્થના મંદિર ની પ્રત્યેક ક્ષણને મુક્તમને અને સંપૂર્ણ રીતે આનંદથી માણી હતી.
એ સમયે શાકભાજી વાવવા, ચરખા પર કાંતવું, શાળથી કાંતવું, શાસ્ત્રીય કંઠ્ય સંગીત શીખવું, નૃત્ય, પેઈન્ટીગ, નાટક, રમત અને વક્તવ્ય આપવા જેવી અનેકવિધ પ્રવૃત્તિઓમાં હું ભાગ લેતી.વિદ્યાવિહારમાં શિસ્ત અને સ્વતંત્રતા એકબીજાના સમાંતર હતા. સ્વતંત્રતાનો સામુહિક રીતે આનંદ માણવામાં આવતો અને શિસ્ત ક્યારેય કોઈ પર લાદવામાં આવતી નહી. જો કે અમારી આસપાસ જે પ્રકારનું વર્તન જોવા મળતું તેને કારણે અપેક્ષિત વર્તણુક ની અમારામાં સમજ અને જાગરૂકતા હતી. કદાચ આ જ અનુભવ અને મહાવરાએ જીંદગીમાં આગળ જતા મને સંજોગો સામે લડતા અને સાથે જ જિંદગીનો આનંદ માણવાનું શીખવ્યું.
આજે હું જે કઈ છુ અને જેણે મને જિંદગીના સુંદર યાદગાર વર્ષો આપ્યા એ વિદ્યાવિહારનો આભાર હું માનું એટલો ઓછો છે.