સ્થાપકો

વિદ્યાવિહાર વિશે

શેઠ ચીમનલાલ નગીનદાસ

શેઠ ચીમનલાલ નગીનદાસ (૧૮૬૭ – ૧૯૦૮ )

શેઠ ચીમનલાલ નગીનદાસે દાનનો પ્રારંભ ખરા અર્થમાં પોતાનાથી જ શરૂ કર્યો હતો. તેમણે ગરીબ વિધાર્થીઓને પોતાના ઘરમાં આશ્રય આપ્યો હતો અને શિક્ષણને ઉજ્જવળ બનાવવાની તક પૂરી પાડી હતી. પોતાની સમગ્ર સંપત્તિ અને ધનરાશી શિક્ષણના ઉમદા હેતુઓની પરિપૂર્તિ માટે ટ્રસ્ટને સમર્પિત કરી અને તે ટ્રસ્ટને પોતાના ભાઈના નામથી શરૂ કર્યું.

શ્રીમતી માણેકબા ચીમનલાલ

શ્રીમતી માણેકબા ચીમનલાલ (૧૮૮૭-૧૯૫૩)

૪૦ વર્ષે પોતાના પતિના નિધન બાદ માણેકબાએ પતિના સ્વપ્નો સાકાર કરવાનો નિર્ધાર કર્યો. તેમની સ્મૃતિમાં માણેકબાએ પ્રથમ સંસ્થા કુમાર છાત્રાલયની સ્થાપના કરી અને એ એક સંસ્થાએ અન્ય સંસ્થાઓના બીજ રોપ્યા. તેઓ છાત્રાલયમાં બેસીને ગૂંથણકામમાં સમય પસાર કરતાં અને છાત્રાલયનાં બાળકોનું ધ્યાન રાખતા. ટ્રસ્ટીશીપના સિધ્ધાંતના ચુસ્ત અનુયાયી એવા માણેકબા છાત્રાલયના રસોડામાં ન જમતાં, કે ન પાણી પીતા. એકવાર મહેમાનો સાથે જમવાનો પ્રસંગ ઊભો થયો ત્યારે તેમણે પોતે તે દિવસના જમણની રકમ સંસ્થામાં જમા કરી.

Indumatiben Chimanlal

પદ્મશ્રી ઈંદુમતીબેન ચીમનલાલ (૧૯૦૬-૧૯૮૫)

વિરલ વ્યક્તિત્વ ધરાવતા અને શિક્ષણના મશાલચી શ્રીમતી ઈંદુમતીબેને પૂજ્ય માણેકબાના અવસાન બાદ તાલીમી સંસ્થાઓની સ્થાપના કરી અને પોતાના વિશિષ્ટ શૈક્ષણિક અભિગમથી તેનું સિંચન કર્યું અને પોષણ પૂરું પાડ્યું. તેઓ સંયુક્ત મહારાષ્ટ્ર રાજ્યમાં નાયબ શિક્ષણમંત્રી રહ્યા હતા અને ગુજરાત રાજ્યની સ્થાપના સમયે શિક્ષણમંત્રી બન્યા. સમાજને સંપન્ન અને સજ્જ શિક્ષકો પ્રાપ્ત થાય તે હેતુથી તેમણે તાલીમી સંસ્થાઓની સ્થાપના કરી.

અંબાલાલ સારાભાઈ

અંબાલાલ સારાભાઈ (૧૮૯૦-૧૯૬૭)

સારાભાઈ મગનભાઈના પુત્ર અને ચીમનલાલ નગીનદાસના ભત્રીજા અંબાલાલ સારાભાઈ ઉપર કુટુંબના વ્યવસાયની અને સંપત્તિની જાળવણીની જવાબદારી આવી. અખૂટ ધૈર્ય અને દીર્ધદ્રષ્ટિથી તેમણે માણેકકાકીને ચી.ન.વિદ્યાવિહારના સંચાલનમાં મદદ કરી. તેમના યાદગાર શબ્દોમાં: “જયારે કોઈ વ્યક્તિ પોતાની સંપત્તિ ટ્રસ્ટમાં તબદીલ કરે ત્યારે તત્કાલિન સમાજની જરૂરિયાત સંતોષવા તથા હાલની પરિસ્થિતિમાં સુધારો કરવા તે સંપત્તિ વાપરવી, નહી કે ભવિષ્યની જરૂરિયાતો માટે.”

Jheenabhai Desai

ઝીણાભાઈ દેસાઈ : સ્નેહરશ્મિ (૧૯૦૩-૧૯૯૧)

કવિ, શિક્ષક અને આચાર્યનો જેનામાં ત્રિવેણી સંગમ હતો તેવા ‘સ્નેહરશ્મિ’ ઉપનામથી જાણીતા શ્રી ઝીણાભાઈ દેસાઈ ૧૯૩૮માં ચી.ન. વિદ્યાવિહારમાં આચાર્ય અને નિયામક તરીકે નિમાયા. ઉત્તમ શિક્ષક તરીકે રાષ્ટ્રપતિ ઍવોર્ડ અને રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર શ્રી ઝીણાભાઈ માટે કવિતા જીવનધર્મનું સમર્થન અને સંવર્ધન કરનારી ચીજ બની રહી. શબ્દ સ્નેહના સમર્થક એવા ઝીણાભાઈએ પોતાની આગવી દ્રષ્ટિથી વિદ્યાવિહારની સંસ્થાઓને ઓળખ આપી. જાપાનીઝ કાવ્ય સ્વરૂપ હાઇકુની ગુજરાતમાં હવા બાંધનાર સ્નેહરશ્મિનું વિદ્યાવિહાર ગીત આજે પણ વિધાર્થીઓમાં અનેરા સ્પંદનો ઊભા કરે છે .

Subscribe for a Newsletter